સોમવાર, 16 ફેબ્રુઆરી, 2009

જરીક - જરીક (ગઝલ)જરીક-જરીક - એક ગઝલ

બંધ મુઠીમાંથી રેત સમયની સરકતી જરીક-જરીક
દિલમાં એકાંત કિનારે ભરતી સરકતી જરીક-જરીક

એના ઘરનાં બારસાખે કંકુવર્ણા થાપા જોતો
પાંખો ફફડાવતી સ્મૃતિ સરવળતી જરીક-જરીક

તળાવની પાળે, ખેતરને શેઢે સારસ બેલડી ને જોતો
તે મારી 'ચાહત' ને થઈ'તી સમજતી જરીક-જરીક

ત્યાં તો ઢોલ ધ્રબુકયાં ને રેલાયા શરણાઈનાં સુર
મેં સાંભળીતી માર જ દિલની ચીસ તરડાતી જરીક-જરીક

વચ્ચે તે મળતાં પૂછયું'તું, 'હું હજી યાદ છું તને?'
મોં ચઢાવી ને દબાતે સાદે કહેતી જરીક-જરીક

પુંઠ ફેરવી ને તે ઉતાવળી ચાલતી થઈ'તી
પણ મેં જોઈ'તી તેની આંખોને ભીની થતી જરીક-જરીક

- પ્રવિણ કે.શ્રીમાળી

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2009

ભુલાયેલ પ્રિયતમાને દ્રારેભુલાયેલ પ્રિયતમાને દ્રારે

સાવ અમથો એ પણ વિવેક કર
મેં લંબાવ્યો છે હાથ, ગ્રહણ કર

ભુલથી આવી ચઠયાં છીએ તારે ઊંબરે
જુની ઓળખણની જરા શરમ કર

તરસ્યાં છીએ અમે ભવોભવ ની પ્રીતના
નેહભરી આંખોને આમ કોરી ન કર

દિલના રણ માં લૂ વાય છે દર્દની
દઝડતા વેણથી કારમાં ઘા ન કર

- પ્રવિણ કે.શ્રીમાળી

શનિવાર, 7 ફેબ્રુઆરી, 2009

ખરી લાગણી

ખરી લાગણી


જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી
વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ
ત્યાંથી પણ નજર પહોંચે અમારા સુધી, તે ખરી લાગણી


પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો
ને પ્રસંગ ના અવશેષો ને કરો વહાલ, તે ખરી લાગણી

પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?
મુકત આકાશ માં ઉડવાની મુકિત, તે ખરી લાગણી

છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે
હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિના, તે ખરી લાગણી

દેહતો રોજ ગુંથાઈ અરસ-પરસ
મનનાં મણકાં એકતારે ગુંથાય, તે ખરી લાગણી

તન-મન-ધન વારીએ તમ પર એવાકે
કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણી, તે ખરી લાગણી

-પ્રવિણ કે.શ્રીમાળી

શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2009

વસંત પંચમીવસંત પંચમી
ધુમ્મસ ને ઝાકળ માં ઠુંઠવાઈ'તી પ્રકૃતિ, તે ખીલ-ખીલી ગઈ
સકળ સૃષ્ટિ સળવળી ઊઠી, જયારે તેમની પધરામણી થઈ ગઈ

આપણે તો સૂતાં હતાં ક્રોક્રીટના જંગલોમાં,અને-
ટીવી ના ઉદઘોષકે સમાચાર વાંચ્યા, 'આજે વસંત પંચમી થઈ ગઈ'- પ્રવિણ કે.શ્રીમાળી


( પ્રિય વાચક મિત્રો, આપણે તો આધુનિકતા માં એટલાં બધાં ખોવાઈ ગયા છીએ કે આપણને પ્રકૃતિ કે ઋતુઓ માં આવતાં ફેરફારો
વિશે કંઈ ખબર જ પડતી નથી. ઘણાં વસંત પંચમી જેવાં તહેવરો કયારે આવ્યાં ને કયારે ગયા તે પણ ખબર પડતી નથી, જયારે
આપણે તારિખિયું કે કેલન્ડર જોઈએ અથવા તો ટીવી કે રેડિયા પર સમાચાર સાંભળીયે ત્યારે ખ્યાલ આવે કે આજે તો આ તહેવાર
છે. શું તમે જાણો છો કે આ વખતે વસંત પંચમી કઈ તારીખે આવી ને ગઈ ? એ જ તારીખે આ કાવ્ય ની પંકિતઓ મેં લખી હતી જે
સંજોગવસાત અહીં પ્રસ્તૃત કરવી ભૂલી ગયેલો તે આજે પ્રસ્તૃત કરું છું. -પ્રવિણ શ્રીમાળી )

ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2009

શિયાળો
શિયાળો
હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો
શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો

પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો

ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો

ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો

તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
કડે-ધડે તંદુરસ્તી નું ભાંથું બાંધી ગયો શિયાળો

- પ્રવિણ કે.શ્રીમાળી

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2009

તો કલમ બોલે
તો કલમ બોલે

કોયલ ટહુકે ને વસંત ફુલે ઝુલે, તો કલમ બોલે
આકાશ ના અમી ને ધરા ઝીલે, તો કલમ બોલે

દિલને તે વાત કહેવી હોય ઘણી
પણ હોઠ ન બોલે, તો કલમ બોલે

આંતકવાદીઓ ગોળીઓ વરસાવે નિર્દોષો પર
ને તોય તોપચીઓ તોપ ન સમાલે, તો કલમ બોલે

ગરીબી, બેકારી, મોંઘવારી, લાંચ-રુશ્વત ને ભ્રષ્ટાચાર
ને માનવી ને લાચારી ધેરી લે, તો કલમ બોલે

- પ્રવિણ કે.શ્રીમાળી

મંગળવાર, 3 ફેબ્રુઆરી, 2009

તે નથી આવતાં


તે નથી આવતાં

આંખો માં આંસુ અમથાં નથી આવતાં
જયારે યાદ આવે તેમની, ને તે નથી આવતાં

પીળાં પર્ણ નાં રસકસ અમથાં નથી ઊડી જતાં
જયારે વાટ જુવે વસંતની, ને તે નથી આવતાં

દર્દનાં સણકાં અમથાં નથી ચિલ્લાતાં
જયારે દિલ દઈ બેસીએ, ને તે નથી આવતાં

વિરહ ના રણ અમથાં નથી વિસ્તરતાં
જયારે મિલનની ઘડી ગણાય, નેતે નથી આવતાં

આંખમાં ખારા જળ અમથાં નથી આવતાં
જયારે દિલનો દરિયો વલોવાઈ, ને તે નથી આવતાં

- પ્રવિણ કે.શ્રીમાળી